રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાના સરલીકરણ તથા વહીવટમાં પારદર્શીતા માટે જનહિતકારી નિર્ણયો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ થયેલા ૨૪ જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી/જુની શરતની અસમંજસતાથી ઉદભવતા લોકોના પ્રશ્નોનું સરળ અને પારદર્શી નિરાકરણનો અભિગમ અપનાવ્યો છે. અગાઉ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા ઉભા થતા પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી આવવું પડતું હતું. પરિણામે મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ વધતુ અને જુદા જુદા અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખુબ વિલંબ થતો હતો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતા તેમણે મક્કમતાપૂર્ણ ત્વરીત નિર્ણાયકતાથી આ સમગ્ર બાબતનું સુચારૂ નિરાકરણ લાવવા મહેસૂલ મંત્રી અને મહેસૂલ વિભાગને દિશાનિર્દેશ આપ્યા હતાં. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતુ કે, મહેસૂલી વહીવટમાં સરલીકરણની ભલામણો માટે રચાયેલી સી.એલ. મીના સમિતિના અહેવાલનો મહદ્દઅંશે સ્વીકાર કરતા મુખ્યમંત્રીએ આ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. આના પરિણામ સ્વરૂપે મહેસૂલ વિભાગે આવા નાબૂદ થયેલા ૨૪ જેટલા કાયદાઓની બાબતમાં અગાઉ નવી અને જુની શરતની જમીનો બાબતે પ્રવર્તતી અસમંજસતા-દ્વિધા દુર કરવા વિસ્તૃત કાર્ય આયોજન કર્યુ છે અને આ અંગેની વિગતવાર સુચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.