દિવાળી તહેવારો પુરા થતાં જ કોરોના ફરી પ્રસરવા લાગ્યો છે. તહેવારો દરમિયાન બજોરોમાં માસ્ક વિના બજોરોમાં ભીડ જોમી હતી. તેમજ વેકેશન માટે પણ મોટા પ્રમાણમાં ગુજરાતીઓ ગોવાથી લઈ કાશ્મીર સુધી ફરવા ગયા હતા. માત્ર એટલું જ નહીં, એસટીમાં રેકોર્ડ બ્રેક બુકિંગ થયું હતું. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને ગીર જેવા પ્રવાસન સ્થળોએ લોકો બેફામ બની ફર્યા હતા. આ બેદરકારીનું ગંભીર પરિણામ હવે સામે આવી રહ્યું છે. રાજ્યમાં હવે દરરોજ ૪૦ જેટલા કોરોનાના કેસો આવવા લાગ્યા છે.
આ અંગે નિરામય ગુજરાત અભિયાનનો પ્રારંભ કરાવવા આવેલા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં જે રીતે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે અને એના એક દિવસ પહેલાં જે કેસો સામે આવ્યા છે, જેમાંથી ૪૦માંથી ૫૦થી ૬૦ ટકા જેટલા કેસો ગુજરાતી બહાર દિવાળી દરમિયાન પ્રવાસ અથવા તો ફરવા ગયા હોય તેવા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આવા તમામ ફરવા ગયા હોય તેવા લોકોનું પણ સર્વેલન્સ કરવાની સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યની ૮ મહાનગર પાલિકામાં સમયમાં ફરીથી બીજી લહેર જેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે તમામ આઠ મહાનગર પાલિકાને સર્વેલન્સની કામગીરી ઝડપથી કરવાની કડક સૂચના આપવામાં આવી છે. જેથી આ ઉપરાંત રાજ્યના તમામ મહાનગરપાલિકાના એન્ટ્રી પોઇન્ટ ઉપર ડોમ પણ ઉભો કરવાની સૂચના સાથે આગામી દિવસોમાં તમામ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન ખાતે ટેસ્ટિંગ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ સ્થિત સિંગરવા ગામથી જિલ્લા કક્ષાના નિરામય ગુજરાત કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, આ અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દર શુક્રવારે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ ગંભીર પ્રકારના ૮ જેટલા રોગોનું નિદાન કરીને સ્થાનિક સ્તરે અથવા જરૂર જણાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી દર્દીઓને ઝડપથી રોગમૂક્ત બનાવવાના સધન પ્રયાસો હાથ ધરવામાં આવશે. દર્દીઓને આપવામાં આવતા નિરામય કાર્ડ અંતર્ગત સ્ક્રીનીંગ થી લઇ સર્જરી સુધીની તમામ સારવાર અને સ્વાસ્થય સેવાઓ દર્દીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવનાર હોવાનું ઉમેર્યુ હતું.
મુંબઈથી પરત ફરેલા એક જ પરિવારના ત્રણ લોકો સંક્રમિત ૧૧ નવેમ્બરના રોજ રાજકોટમાં મુંબઇથી પરત ફરેલા એક જ પરિવારના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના વોર્ડ નં. ૯માં આવેલા હરીનગરમાં રહેતા ૬૦ વર્ષીય બે વૃદ્ધા અને એક વૃદ્ધ કોરોના સંક્રમિત થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. તેમના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરાશે. ત્રણેય સંક્રમિતોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે.
આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મોના દેસાઈએ જણાવ્યું કે, તહેવારોમાં કોવિડની ગાઇડલાઇન ભૂલીને ફરવા ગયેલાં ૫ ટકા લોકો અન્ય ૨૫ ટકામાં કોરોનાનો ચેપ લગાડી શકે છે. ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકોએ વેક્સિન લીધી હોવાથી ગંભીરતા ઓછી રહેશે.