ગુજરાતમાં હવે ઉનાળો તેનો અસલી આકરો મિજાજ બતાવી રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આજથી રાજ્યભરમાં ગરમીનું જાર અચાનક વધવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં લોકોને કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ખાસ કરીને સૌરાષ્ટ્રઅને અમદાવાદમાં તાપમાનનો પારો ઉંચકાવવાની પૂરી શક્્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ૭ દિવસ સુધી સમગ્ર રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. વાતાવરણમાં પલટો આવવાની કોઈ શક્યતા નથી, પરંતુ આજથી રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો સીધો વધારો નોંધાશે. ગરમી વધવાના કારણે બપોરના સમયે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.
છેલ્લા ૨૪ કલાકના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ ગરમી ભાવનગરમાં ૩૭.૫ ડિગ્રી નોંધાઈ છે, જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત રાજકોટમાં ૩૬.૩ ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભુજમાં એકસમાન ૩૫.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં ૩૫.૨ ડિગ્રી અને વડોદરામાં ૩૪.૬ ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી જવાની પૂરેપૂરી શક્યતા છે.
એક તરફ સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્ત છે, તો બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાશે.
આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠે ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાને કારણે લોકોને ભારે પરસેવો અને અકળામણનો અનુભવ થશે. ભેજવાળા પવનથી તાપમાન ભલે ઓછું હોય, પરંતુ ગરમીનો અહેસાસ ઘણો વધારે રહેશે.








































