ગુજરાતમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે. લોકો તાપથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં સરેરાશ મહત્તમ તાપમાન ૪૭ ડિગ્રી નોંધાયું હતું. સતત બીજા દિવસે બપોરના સમયે ગરમીનો પારો ૪૭ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ઉતરી પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં વધારો નોંધાતા રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આ સાથે કચ્છ, રાજકોટ, ભાવનગરમાં હિટવેવ જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
અમદાવાદમાં સતત બીજા દિવસે ૪૬ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. જે આ સિઝનમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી ૧૮ મે સુધી તાપમાન ૪૩ ડિગ્રીથી નીચે જવાની સંભાવના નહિવત્ છે. અમદાવાદમાં સવારથી જ હિટવેવ શરૂ થઇ જાય છે અને બપોરે ૨ થી ૪ વચ્ચે તાપમાન ૪૭ ડિગ્રી થયું હતું. આ અમદાવાદ જાણે અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયુ હતુ ત્યારે નાગરિકો પણ તોબા પોકારી ગયા છે.
આ વધતા હિટવેવને કારણે ડિહાઇડ્રેશન, ઝાડા-ઉલ્ટી, ચક્કર આવવાથી પડી જવાના કેસમાં પણ વધારો જાવા મળ્યો હતો. અમદાવાદમાં ગુરૂવારે સામાન્ય કરતા ૪ ડિગ્રી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ૩ ડિગ્રી વધુ લધુતમ તાપમાન રહ્યું હતું. લઘુતમ તાપમાન ૨૯.૬ ડિગ્રી તેમજ મહત્તમ ૪૫.૭ ડિગ્રી તાપમાન રહ્યું હતું. આમ દર ત્રણ કલાકે પાંચ ડિગ્રી સુધીના તાપમાનમાં વધારો નોંધાયો હતો.
ગ્રીન સિટી ગાંધીનગરમાં ૪૬ ડિગ્રી નોંધાયો હતો. હવામાનની આગાહી પ્રમાણે, આગામી ૩ દિવસ ગાંધીનગરમાં ૪૩ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઇ શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, વડોદરા, ડીસા, પાટણમાં તાપમાન ૪૩ ડિગ્રીથી વધારે નોંધાયું હતું. રાજકોટમાં ૪૪.૩ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આ સાથે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી બે દિવસ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર,
રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ રહેશે.
તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, લોકોએ ખાસ કરીને બપોરે કે જ્યારે સૌથી વધારે ગરમીની અસર જાવા મળતી હોય છે તેવા સમયે ઘરની બહાર નીકળવું ન જાઇએ. ઝાડના છાયડામાં બેસવું કે પછી ઘરમાં પંખા, કુલર કે એસી નીચે બેસી રહેવું, શક્ય તેટલું પાણી વધારે પીવું, લીંબુ શરબત, સોડા સહિતના ઠંડા પીણા પણ વધારે માત્રામાં લેવા હિતાવહ છે. બાળકો, વૃદ્ધો, અશક્તો, બીમાર લોકોએ તો ઘરની બહાર ન જવું જાઇએ. સુતરાઉ કપડા પહેરવા, માથે ટોપી, રૂમાલ બાંધવો, હાથ મોજા ખાસ પહેરવા જોઇએ.