વિસાવદર અને વાવ વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પણ ચૂંટણી યોજાય તેવી સંભાવના
(એ.આર.એલ),ગાંધીનગર,તા.૩
ગુજરાત રાજ્યમાં મિની વિધાનસભા તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાવાની છે. ૨૭% ઓબીસી અનામતની અમલવારી સાથે યોજાનારી આ ચૂંટણી ઐતિહાસિક બની રહેશે. ઓગસ્ટના મધ્ય ભાગમાં આ અંગેના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવશે, જેમાં એક મહિના સુધી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ માટેની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરાશે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના જાહેરનામા પ્રસિદ્ધ કરીને ડિસેમ્બર મહિનામાં આ ચૂંટણી યોજવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.
આ ચૂંટણીમાં ૨૭% ઓબીસીની અનામત બેઠકો સાથે ૭% એસસી અને ૧૪% એસટીની અનામત સાથે કુલ ૪૮% અનામત બેઠકો તથા ૫૨% જનરલ બેઠકો માટે ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી પંચ ઓગસ્ટના મધ્ય કે અંત સુધીમાં જાહેરનામું બહાર પાડશે. ત્યારબાદ એક મહિના માટે વાંધા અને સૂચનો મંગાવાશે.આગામી સપ્ટેમ્બર-૨૦૨૪ના અંત સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે
અને ચૂંટણીની જાહેરાત કરાશે. વિસાવદર અને વાવ વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો માટે પણ ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. હમણાંના રાજય ચૂંટણી કમિશનર, નિવૃત્ત આઈએએસ અધિકારી સંજય પ્રસાદની મુદત ૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ પૂર્ણ થઈ રહી છે, એટલે નવા ચૂંટણી કમિશનરની નિમણૂંક કરવાની તજવીજ કરવી પડશે. તાજેતરમાં નિમણૂંક પામેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી કૃષ્ણને આ જવાબદારી સોંપવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.રાજ્યની ૮૦ નગરપાલિકા, ખેડા અને બનાસકાંઠા જિલ્લાના ૨ જિલ્લા પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો અને ૫૩૯ નવી ગ્રામ પંચાયતો સહિત કુલ ૪૭૬૫ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણીઓ ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠકો પર પણ ચૂંટણી યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે.
ગુજરાતમાં આ ચૂંટણીનો મુખ્ય વિલંબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી માટે ૧૦% અનામતની વ્યવસ્થા હતી, જેને કારણે વિવાદો સર્જાતા હતા. હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એસ. ઝવેરીના અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના કરી, જેનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો હતો. તેની ભલામણો મુજબ સરકારએ ઓબીસી અનામત ૧૦%થી વધારીને ૨૭% કરવાનો નિર્ણય લીધો છે.આ પંચના અહેવાલના આધારે, નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩, ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ અને ગુજરાત પ્રોવિન્શયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ-૧૯૯૪માં સુધારા કરીને અનામત આપવા માટેના વિધેયકો વિધાનસભામાં મંજૂર થયા છે. રાજ્યપાલે પણ આ વિધેયકોને મંજૂરી આપી છે. આમ, રાજ્યમાં પ્રથમ વખત ૭% એસસી, ૧૪% એસટી, ૨૭% ઓબીસી અને ૫૨% સામાન્ય વર્ગની બેઠકો મુજબ આ ચૂંટણી યોજાશે. ઓગસ્ટના મધ્ય કે અંતમાં જાહેરનામા પ્રસિદ્ધ થશે, એક મહિના માટે વાંધા અને સૂચનો મંગાવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જશે અને ડિસેમ્બર મહિનામાં રાજ્યની નગરપાલિકા, બે જિલ્લા અને ૧૭ તાલુકા, ૪૭૬૫ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.