મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગર સ્થિત મહિલા અને બાળ વિભાગના કોન્ફરન્સ હોલ ખાતે તાજેતરમાં ૯ હજારથી વધુ આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને નિમણુક પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગમાં આ નિમણુંક પામનાર આ ૯ હજાર બહેનો સ્વાવલંબી બનશે. એટલુ જ નહિ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ મહિલા સશક્તિકરણને પણ વધુ વેગ મળશે.
આ કાર્યક્રમમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ઝોનમાંથી પસંદગી પામેલા ઉમેદવારોને આમંત્રિત કરીને મંત્રીશ્રીના હસ્તે તેમજ અન્ય બહેનોને જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ વિવિધ મહાનુભાવો દ્વારા નિમણુંક પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કક્ષાએ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની ૧૦ હજારથી વધુ ખાલી જગ્યાઓ માટે નવેમ્બર-૨૦૨૩થી ઓનલાઈન ઇ એચઆરએમએસ વેબ પોર્ટલના માધ્યમથી જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં જિલ્લા અને કોર્પોરેશનની મહિલાઓ દ્વારા સ્થાનિક કક્ષાએથી ઓનલાઈન અંદાજીત ૧ લાખથી વધુ અરજીઓ મળી હતી. સંપુર્ણ પારદર્શિતા સાથે કરવામા આવેલા મૂલ્યાંકનના આધારે રાજ્યમાં ૯ હજારથી વધુ બહેનો આંગણવાડી કાર્યકર-તેડાગર તરીકે પસંદગી પામ્યા છે.