ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ કર્યો છે. આ અંતર્ગત શહેરોને સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોના ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ને સાકાર કરવાનો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યની નવરચિત નવ મહાનગરપાલિકાઓ સહિત રાજ્યના નગરો-શહેરોમાં લોકહિતના કામોને વેગવંતા બનાવવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૧૨૦૨.૭૫ કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યની નવરચિત ૮ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ, સેનિટેશન જેવા ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામો ઉપરાંત આંગણવાડી, શાળાના મકાનો, લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર વગેરે સામાજિક આંતરમાળખાકીય સુવિધાના કામો માટે નાણાં ફાળવ્યા છે. આ ઉપરાંત, અર્બન મોબિલિટી, સિટી બ્યુટીફિકેશન, આગવી ઓળખના કામો, પાણી પુરવઠાના અને વરસાદી પાણીના નિકાલના કામો વગેરે કામો માટે રૂપિયા ૫૮૫.૮૩ કરોડના ખર્ચની સૈદ્ધાંતિક અનુમતી આપી છે.