વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે આજે રાષ્ટ્રીય કક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને સંબોધન કરશે તેમજ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ કરશે. જે અનુસંધાને ગાંધીનગર ખાતે પણ આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાશે. જ્યારે, કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટ ખાતે જિલ્લા કક્ષાનો સમારોહ યોજાશે. રાજ્ય અને જિલ્લા કક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને લાઇવ ટેલીકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કરશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે PM KISAN યોજનાના ૨૦મા હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૭ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૨૦,૫૦૦ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. જે પૈકી ગુજરાતના આશરે ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૧૧૮ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.







































