ગુજરાતમાં ભલે કોરોનાનાં કેસ ઘટી રહ્યા હોય પણ હજુ તે આપણા જીવનથી દૂર ગયો નથી. તાજેતરમાં રાજ્યનાં એક નિવૃત્ત આઇએએસનાં પરિવારમાં કોરોનાની એન્ટ્રી થઇ છે. જેને લઇને તંત્ર ચિતામાં મુકાઇ ગયુ છે.
ગુજરાતનાં નિવૃત્ત આઇએએસ પુનમચંદ પરમારનાં પરિવારમાં કોરોનાની એન્ટ્રી થઇ ગઇ છે. નિવૃત્ત આઇએએસ પુનમચંદ પરમાર સહિત તેમના પરિવારનાં પાંચ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. મળી રહેલી માહિતી અનુસાર, તેમનો પરિવાર ઘરે જ સારવાર લઇ રહ્યો છે. જણાવી દઇએ કે, પુનમચંદ પરમાર ૧૯૮૫ ની બેંચના આઇએએસ છે. તેઓ જુલાઈ ૨૦માં રિટાયર્ડ થયા હતા.
એક તરફ વિશ્વમાં કોરોનાનાં કેસ અને તેના વેરિઅન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે તો બીજી તરફ દેશમાં પણ આ વેરિઅન્ટની એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારે સાવચેતી વધુ રાખવી હવે નાગરિકોની જવાબદારી બને છે, પરંતુ હજુ પણ લોકોમાં જાણે કોરોનાનો ડર જ રહ્યો નથી તેમ લોકો બેફામ માસ્ક વિના ફરી રહ્યા છે. અને ખુલ્લેઆમ સરકારની ગાઇડલાઇનને નકારી કોરોનાને એક રીતે આવકારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસનાં ૯,૨૧૬ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણનાં કારણે ૩૯૧ લોકોનાં મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કુલ ૮,૬૧૨ ડિસ્ચાર્જ થયા છે, કુલ રિકવરી રેટ લગભગ ૯૮.૩૫ ટકા છે જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધુ છે અને કુલ રિકવરી ડેટા ૩,૪૦,૪૫,૬૬૬ પર પહોંચી ગયો છે.