જયારથી દત્તાને નનામા ફોનથી ખબર પડી કે અર્જુનની બાઇક રાજમહેલના મેદાનમાં આખી રાત પડી રહી હતી ત્યારથી તેમના મનમાં ભાંજગડ ઊભી થઇ ગઇ હતી. આ બાબતે તેમણે અર્જુનને પૂછયું પણ ખરૂં પણ અર્જુન કોઇ સંતોષકારક ખુલાસો આપી શક્યો ન હતો ઉલટાની પોતાની ચોરી પકડાઇ ગયાનો ભાવ તેના ચહેરા ઉપર છવાઇ ગયો હતો એટલે જ સ્તો નજર છૂપાવી રહ્યો હતો. પણ તેણે આમ જૂઠું શા માટે બોલવું પડયું હોય તેનો કોઇ તાગ મળતો નહોતો. આ બાબતે બીજે દિવસે સવારે ઓફિસે આવીને કેન્ટિનના માલિક શર્માજીને વાત કરી હતી પણ શર્માજીએ તો એમ જ કહ્યું હતુ કે સાહેબ, અર્જુનભાઇ માટે મને સંપૂર્ણ વિશ્વાસ છે. એ કદી પણ જુઠ્ઠુ બોલેજ નહીં. પણ તમને એવું શા માટે લાગી રહ્યું છે ? કે અર્જુનભાઇ જુઠ્ઠુ બોલે છે ?” તેના જવાબમાં દત્તાએ નનામા ફોનની વાત કરી હતી. જવાબ સાંભળીને શર્માજી ખડખડાટ હસી પડયા હતા. બોલ્યા હતા ઃ “ તો તો એ માણસ અર્જુનભાઇ વિષે રજેરજ જાણતો હોય. હવે ફરીવાર ફોન આવે તો મને બોલાવજા.” જવાબમાં હસીને દત્તાએ કહ્યું ઃ “શર્માજી, એ વ્યક્તિનો ફોન કયારે ફરીવાર આવશે એનો મને થોડો અંદાજા હોય ? આતો જે મુજબ ફોન આવ્યો તેની તમને વાત કરી.”
“ચિંતા ન કરો. હું અર્જુનભાઈ પાસેથી જ ડીટેઇલ મેળવી લઇશ. જા નનામા ફોનની વાતમાં તથ્ય હોય તો આપણે ઉકેલ પણ લાવીશું. ” પરંતુ એવો કોઇ ઉકેલ તો બે ચાર દિવસમાંય આવ્યો નહીં. એટલે એક દિવસ દત્તા કોઇને પણ કહ્યા વગર પોલીસ સ્ટેશન પહોચ્યાં. એ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ઇનસ્પેકટર અજય ગીતાજી જેવો મહાન ધર્મગ્રંથ વાંચી રહ્યા હતા. દત્તા આશ્ચર્યમાં ડૂબી ગયા ઃ “ઇન્સ્પેકટર સાહેબના હાથમાં જે પુસ્તક છે એ તો ગીતાજી છે ! ઓહ…! તેમના હૃદયમાંથી આશ્ચર્ય સાથે ખુશીનું વાદળ છલકાઇ ઉઠ્યું.
ચેમ્બરના દરવાજામાં કોઇ આવીને ઊભું છે એનું પણ ઇન્સ્પેક્ટરને ધ્યાન ભાન નહોતું તેઓ તો ગીતાભ્યાસમાં ડૂબેલા હતા. એતો બહારથી ધરડ… ધરડ… પગ ઘસડતો કોન્સ્ટેબલ ચમન આવીને ઊભો રહ્યો ત્યારે ઈન્સ્પેકટર અજયનું ધ્યાન ગયું તો દરવાજામાં ચમન અને કોઇ અજનબી પણ ઊભુ હતુ. ઇન્સ્પેકટરને અધૂરી રહેલી વાંચનપત્રી જાણે છોડવી પડી. છેલ્લે પાને મૂકેલું મોરપિચ્છ લઇને જયાં વાંચતા હતા ત્યાં મૂકીને પુસ્તક સંકેલ્યું અને ટેબલ પર મૂકયું. તેમની અને દત્તાની આંખો ચાર થઇ.
“આવો.” તેમણે દત્તાને આવકાર આપ્યો. દત્તા અંદર આવ્યા પોતાની ઓળખાણ આપી. તો સામે બેસવાનો ઇશારો કર્યો દત્તા સામે ખુરશી પર બેઠા કે ઇન્સ્પેકટરને યાદ આવ્યું ઃ “હા, ચાર – પાંચ દિવસ પહેલા એક વડીલ મળ્યા હતા. અહીં નીકળ્યા હતા અને મને જાયો કે તેઓ મળવા આવ્યા. રૂદ્રવિજયસિંહ કે એવું જ કૈંક નામ હતું તેમનો સન.. આઇ થિન્ક હીઝ નેમ ઇજ લાઇક અર્જુનસિંહ… હમ્મ યાદ આવ્યું. ” ઇન્સ. અજયે કહ્યું ઃ “તેઓ તમારી સાથે જ છે કે ?”
“યસ્સ સર. ” દત્તા હસ્યા પછી મનમાં જ બોલ્યા: “સાહેબ, એ અર્જુનસિંહે જ સ્તો મને ચકરડીએ ચડાવ્યો છે એક તો એમના બાપુ મને તેમની આખા ઘરની સારસંભાળ રાખવાની જવાબદારી સોંપતા ગયા અને એમાંયે ખાસ તો અર્જુનની જ સ્તો ! એટલે જ સ્તો આવવું પડયું છે. નહિંતર તો ?” વિચારોમાં ને વિચારોમાં દત્તાના હોઠ ફફડી રહ્યા.
“સારસંભાળ ? જવાબદારી ? અર્જુનસિંહની ???” ઇન્સ્પેટરે આ બબડાટ સાંભળ્યો અને તેઓએ
પૃચ્છા શરૂ કરી દીધી “હા… હા…. જસ્ટ… એક વાત કરવી હતી. કોઇ સીરિયસ મેટર નથી બટ… લાઈક ટુ અન ફોર્ચ્યુનેટલી… મને લાગે છે કે તમને મળું.” “હા તો બોલોને સર… એના માટે તો બેઠા છીએ..”
“હા… તો સર વાત એવી બની છે કે…” દત્તાએ થોડી મુંઝવણના ભાવ સાથે વાત શરૂ કરી.
—
ઘર તો માંડ માંડ આવ્યું. રાજેશ્વરીબાના હાર્ટબીટ લગભગ કયાંય સમાતા નહોતા. ચહેરા ઉપર પરસેવો નીતરી રહ્યો હતો. ગયા ત્યારે એકદમ સ્વસ્થ લાગતી મા, દવાખાનેથી આવીને નજર સામે સોફા ઉપર ફસડાઇ પડેલી જાતા અનિતાને પણ અજુગતું લાગ્યું અને પછી એ પણ ઘેરી ચિંતામાં ડૂબી જતા માને સંભળાતા ચિંતાતૂર આવાજે પૂછી બેઠી: “મા, મા શું થયું ?” “ મને કાંઇ નથી થયું. આને થયું છે એને પૂછ.” રાજેશ્વરી બાએ અણગમાના અને તુચ્છકારના ભાવ સાથે સામે નજરો ઢાળીને બેઠેલી રવિનાને પૂછયુ “રવિના, શું થયું ?” પણ રવિનાએ મૌન રહેવાનું ઉચિત માન્યું.
“અરે, બોલ તો ખરી, માને થયું છે શું ?” અનિતાએ રવિનાને હબડાવતા કહ્યું: “ તમે બેઉ આમ મોઢામાં મગ ભરીને કેમ બેઠા છો. વાતનો ફોડ તો ફોડો ”
“ફોડલો ફૂટી ગયો આબરૂનો…” કાળઝાળ અવાજે રાજેશ્વરી બા બોલ્યા ઃ “મને ખબર નહોતી કે આ પાપ….”
ત્યાંજ અર્જુન ઘરમાં પ્રવેશ્યો તો ઘરનું વાતવરણ કંઇક અલગ અને તણાવવાળુ લાગ્યું એ તો બેખબર હતો. એણે લાગલું પૂછયું: “ શું થયું બા ? રીપોર્ટ આવી ગયો ? રવિનાને ડોકટરે શું કહ્યું ?”
“ડોકટરે જે કીધું એ તારે સાંભળવું જ હોય તો કહી દઉ કે રવિનાના પેટમાં ચાર અઠવાડિયાનો ગર્ભ છે. મને ખબર નહોતી કે તું આ ઉકરડાનું ગોબર ઘરમાં લાવીને બેઠો છે. કોને ખબર કોનું પાપ સંઘરીને લાવી છે…” “એ ઉકરડાનું ગોબર નથી બા !” રવિનાના અવાજના ત્રણ ત્રણ કટકા થયા જાણે. એ ટંકણખાર જેવા અવાજે બોલી ઃ “પણ જા એને પાપ જ કહેતા હોવ તો પણ મને વાંધો નથી. પણ આ પાપ તમારા દીકરાનું છે. હવે એમને જ પૂછો. મારા પેટમાં જે પાપ છે એ તો એક મહિનાનું જ થયું છે ને ? ડોકટરે સમયગાળો આપ્યો જ છે. જયારે હું તો અહી ત્રણ મહિનાથી આવી છું. મતલબ, કે હું આવી ત્યારે કુંવારી હતી. પણ મને બેજીવી બનાવનારને પાપી કહેતા હો તો એ બીજુ કોઇ નહીં પણ આ સામે ઊભા એ તમારા કુંવર છે. મને ઓધાન એમણે રાખી દીધું છે સમજયા ? એક તો સમજાવી પટાવીને મને ઘરે લાવ્યા અને પછી મારી મજબૂરીનો ફાયદો એમણે જ ઉઠાવ્યો છે. ખોટું હોય તો પૂછો એમને નહિંતર હું તમે કહો ત્યાં હાથ મૂકવા ય તૈયાર છું !! ”
રવિનાના ધગધગતા વેણ સાંભળી રાજેશ્વરીબાના તો રૂંવાડે રૂંવાડે આગ લાગી ગઇ. વાત સાંભળીને તો અનિતાના પગ તળેથી ધરતી સરકી ગઇ અને અર્જુનને લાગ્યું કે પોતે નથી ફરતો પણ આખું ઘર ગોળ ગોળ ફરે છે. એ ધબ્બ દઇ ત્યાંને ત્યાંજ ફસડાઇ પડયો.
રાજેશ્વરીબા ઊભા થયા અને જમીન ઉપર ફસડાઇ પડેલા અર્જુનના ડાબા જમણા ગાલે એક એક તમાચો જડી દીધો ઃ “તે આ પાપ કર્યું ? મારા પેટે ? મારા લોહીએ આ કરમ કર્યું ?”
અર્જુન ધ્રુજવા લાગ્યો. તેની આંખમાં પાણી આવી ગયા. રાજેશ્વરીબાએ પડખે જ પડેલી હોકી સ્ટિક ઉડાવી અને ભયંકર ચીસો પાડતા પાડતા અર્જુનના મોઢે માથે બરડે જયાં હાથ પડે ત્યાં સટાસટી વિંઝવા લાગ્યા. અનિતા દોડીને આડી પડી તો હોકીના બે ત્રણ ઘા તેના હાથે પણ ઝૂંટળી લીધી અને બે ઘા રવિનાની પીઠમાં ઝીંકી દીધા રવિના “ઓ મા…” કરતી ચીસ પાડીને અર્જુનની આડી સંતાવા લાગી અને રાજેશ્વરીબા લાંબો રાગ કાઢીને મોટેથી રોઇ પડયા. ઘડી પહેલાનું હસતુ ખેલતું ઘર ઘડીકમાં તો ચીસો અને રીડિયારમણથી ગાજી ઉઠયું. પડખે રહેતા પાડોશીઓ દોડી આવ્યા વાતનો તાગ તો તેઓ મેળવી ન શકયા પણ સૌ પ્રથમ તેણે રાજેશ્વરીબાને શાંત પાડયા અને અનિતાએ દત્તા સાહેબને ફોન કરીને તાત્કાલિક ઘરે તેડાવ્યા દત્તા હાંફળા ફાંફળા થતા અર્જુનના ઘરે આવ્યા ત્યારે ઘરની પરિસ્થિતિ, ભયંકર આગ લાગ્યા પછી ખાક થઇ ગયેલા ઘર જેવી હતી. ચારે તરફ ધૃણા, તિરસ્કાર અને નફરતની રાખ ઉડતી હતી.
“શું થયું બા ?” દત્તા ગૂમસૂમ બની, સોફા ઉપર હાથને લમણે ટેંકવીને બેઠેલા રાજેશ્વરી બાની સાવે અડોઅડ બેસી જતા પીઠ ઉપર હાથ મૂકતા પૂછયું કે રાજેશ્વરીબા ના હૈયાનાં બંધ છૂટી ગયા… અનિતા દોડીને ઘરનો દરવાજા બંધ કરી આવી પણ તોય પાડોશીના કાન આ તરફ ઊંચકાયા. દત્તાએ રાજેશ્વરીબાને છાના રાખવાનો પ્રયત્ન કરતા અર્જુનને પૂછયું ઃ “શું થયું છે ? કેમ, તાત્કાલિક મને ઘરે બોલાવ્યો ? સમથીંગ રોંગ ?”
જવાબમાં રાજેશ્વરીબાએ વીજળીક ગતિએ ઊભા થઇને અર્જુનના ગાલે ફરી વખત એક તમાચો જડી દેતા કહ્યું ઃ “મારા કૂળદીપકે કાળુ કામ કરી નાખ્યું છે સાહેબ!!” અને ફરીને હિબકે હિબકે રડી પડયા. ત્યાંજ અર્જુનના ફોનમાં એક મેસેજ પડયો ઃ “ટિણીંગ….” (ક્રમશઃ)