રાજુલા શહેરના હિંડોરણા નજીક અને જય માતાજી હોટલ પાસે મોડી રાત્રી ના ૧.૨૦ કલાકે પસાર થઈ રહેલ એક ટ્રકના ચાલકે સ્ટયરીંગ પર કાબુ ગુમાવતા ૧૦ જેટલી ગાયોને અડફેટે લઈ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા ગૌ પ્રેમીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ઈજાગ્રસ્ત ગાયોની તાત્કાલિક સારવાર હાથ ધરી હતી. જયારે આ અકસ્માતમાં કુલ ૧૦ ગાયોને અડફેટે લેતા સાત ગાયોનું સ્થળ ઉપર મૃત્યુ થયું હોવાનું સત્તાવાર રીતે જાણવા મળેલ છે. આ ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ગત રાત્રીના જાગરણ હોય અને આ વાત વાયુવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા અહીંયા એકત્રિત થઈ ગયા હતા. આ ઘટનાને કારણે ભાવનગર સોમનાથ હાઇવે ઉપર વાહનોના થપ્પા લાગી ગયા અને બે કલાક સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજુલા પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે આ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. આ ઘટનાની જાણ પૂંજાબાપુ ગૌશાળાને તેમજ જયરાજભાઈ વરૂ સહિત ગૌ પ્રેમીને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં મૃત્યુ પામેલી ગાયોને પૂંજાબાપુ ગૌશાળામાં ખસેડવામાં આવી હતી. ત્રણ ગાયો ઇજાગ્રસ્ત હતી તેને તાત્કાલિક રાત્રીના સારવાર માટેની વ્યવસ્થાઓ ગૌશાળાના મેનેજમેન્ટ દ્વારા તેમજ જયરાજભાઈ વરૂ દ્વારા કરવામાં આવી હતી. ઉપરોક્ત ઘટનાથી રાજુલા શહેરમાં ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ ઘટનાની જાણ થતા બાદ ગૌ પ્રેમી દ્વારા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં રાજુલા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજ દ્વારા આ ટ્રક ક્યાંથી આવ્યો અને કઈ બાજુ ગયો તેની તપાસ હાથ ધરેલ છે. બીજી તરફ જાણવા મળતી વિગત મુજબ છેલ્લા ઘણા દિવસોથી રાત્રિના હોમગાર્ડ ડ્યુટીમાં ન હોવાના લીધે રાજુલામાં રાત્રી પેટ્રોલિંગ પણ થતું નથી. જો દરેક નાકા ઉપર હોમગાર્ડ ફરજ બજાવતા હોત તો આ ટ્રક કઈ બાજુ ગયો તેની માહિતી હોમગાર્ડ પાસેથી માહિતી મળી શકે તેમ હતી. ટ્રકચાલકે ગાયોનો અકસ્માત સર્જ્યો તેની જાણ ગૌ પ્રેમીઓને થતા ગૌ પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી ગઈ છે.