અમરેલી જિલ્લામાં માર્ગોની અત્યંત ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે, ખાસ કરીને રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર મગરની પીઠ સમાન ફૂટ-ફૂટના ખાડા પડી ગયા છે. આશરે ૨૨ કિલોમીટરના આ પટ્ટામાં વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, છતાં રાજનેતાઓ અને અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. રાજુલાથી નવા આગરીયા, મોટા આગરીયા, થોરડી, આંબરડી, જાબાળ અને બાઢડા સુધીના હાઇવે પરના ખાડાઓને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. અમરેલીથી પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ અને રાજુલા કોસ્ટલના લોકોને જિલ્લામથક અમરેલી સુધી જોડતો એકમાત્ર મુખ્ય માર્ગ છે. આ અંગે રાજુલા આરએનબી વિભાગના કાર્યપાલક ઈજનેર અભિજીતસિંહ ગોહિલે જણાવ્યું કે, આ હાઇવે ફોર-વે બની રહ્યો છે અને તેના કામ માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે ટૂંક સમયમાં શરૂ થશે. હાલાકી દૂર કરવા માટે રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.