રાજુલા સર્વેલન્સ સ્ક્વોડે રાજુલા ખડપીઠમાંથી એક શખ્સને ૧૧ મોબાઇલ સહિત કુલ રૂ.૯૩,૯૯૯ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીના અણઉકેલ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખડપીઠમાંથી ભરત ઉર્ફે ભગો વિરાભાઇ બાબરીયા નામનો શખ્સ કોઇ બીલ કે આધાર પૂરાવા વિનાના જુદી-જુદી કંપનીના અને અલગ અલગ મોડેલના કુલ ૧૧ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તથા રોકડ રૂ. ૬પ૦૦ સાથે મળી આવતા પોલીસે શક પડતી મિલકત તરીકે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરત બાબરીયા જૂની માંડરડીમાં રામજી મંદિર પાસેનો રહેવાસી છે. પૂછપરછ દરમિયાન વધુ એક શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. નવા ઝાંપોદરના મહેશ મનુભાઇ ધાખડા નામના શખ્સને પકડી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.