રાજુલા શહેરમાં આ વર્ષે ૨૫ જેટલા વિસ્તારમાં ગણેશજીની સ્થાપના થશે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ગણેશોત્સવ ઉજવાશે.રાજુલા શહેરમાં ગણેશોત્સવ માટે મંડપ નાખવાની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જે વિસ્તારમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હશે તે વિસ્તારના પેટ્રોલિંગ માટે પોલીસ તંત્ર દ્વારા પણ ટીમો તૈયાર થઈ રહી છે. નગરપાલિકાના કાર્યવાહક કામગીરી કરતા રવુભાઈ ખુમાણે પણ જણાવ્યું છે કે મોટાભાગના વિસ્તારોમાં પાંચ તારીખ પહેલા સ્ટ્રીટ લાઇટો શરૂ કરવામાં આવશે જેથી લોકોને મુશ્કેલી પડશે નહીં. આમ ગણેશોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મૂર્તિ બનાવનાર કારીગર દ્વારા પણ ૨૫ માણસો દ્વારા મૂર્તિઓ તૈયાર થઈ રહી છે. બીજી તરફ સોસાયટીઓના લોકોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે ગણેશજીની મૂર્તિઓ પણ અલગ ડિઝાઇનમાં હોવાથી લોકો દરરોજ ડોમમાં મૂર્તિઓને નિહાળવા અને પસંદ કરવા રાજુલામાં મૂર્તિ બનાવનાર એક માત્ર કારીગર વાલાભાઈ સિહોરવાળાને ત્યાં જઈ રહ્યા છે.