રાજુલા શહેરમાં અનેક પ્રશ્નોથી લોકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં શહેરમાં ધૂળની ડમરીઓ ઉડે છે, રસ્તાઓ તૂટેલા છે, ગટરો ઉભરાય છે તેમજ જ્યાં જુઓ ત્યાં ગંદકીના ગંજ ખડકાયેલા હોય, શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોને હાલાકી પડતી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.
શહેરમાં એક પણ ફરવાલાયક સ્થળ નથી. જેથી રજાના દિવસોમાં સમય ગાળવા કે ફરવાના નામે જઇ શકાય તેવા બાગ-બગીચાની લોકો ઝંખના કરી રહ્યા છે. શહેરના લોકો નવરાશની પળોમાં ક્યાંક જઇ શકે એવું મારૂતીધામ અને કુંદન સુખનાથને જાડતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. જ્યારે શહેરના વિવિધ ધાર્મિક સ્થળોએ જવાના સમયે જ ગટરો ઉભરાતી જાવા મળે છે. પાલિકા તંત્ર લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ ગયું છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે, છેલ્લા ચાર વર્ષથી ભાજપ-કોંગ્રેસના રાજકારણથી પ્રજાલક્ષી સુવિધાઓ છીનવાઇ ગઇ છે ત્યારે આ અંગે યોગ્ય કરવા લોકોમાંથી માંગ ઉઠી રહી છે.