રાજુલામાં અનેક મહાકાય ઉદ્યોગો આવેલા છે. પરંતુ તાલુકાના માર્ગો અત્યંત બિસ્માર હાલતમાં હોય એકપણ માર્ગ સારો કહી શકાય તેવો નથી. રાજુલાથી સાવરકુંડલાનો ૪૦ કિમીનો રોડ એટલી હદે બિસ્માર છે કે નાના વાહનોને પણ આ રસ્તે ચાલવું એટલે માથાના દુઃખાવા સમાન લાગી રહ્યું છે અને ના છૂટકે ચાલકોને ૮ કિમી વિજપડી ફરીને જવું પડી રહ્યું છે. રાજુલાથી મહુવા ૪૦ કિમી માર્ગની વાત કરીએ તો વિક્ટર ઉપરથી જતો નેશનલ હાઈવે ૮-ઈ રોડ પણ એટલી હદે ખરાબ છે કે લોકોને વાયા ડુંગર ૮ કિમીનું વધારે અંતર કાપીને જવું પડી રહ્યું છે. રાજુલાથી ઉના પપ કિમી જવા માટે કાગવદરથી નેશનલ હાઈવે છે પરંતુ રાજુલાથી કાગવદર ૧૦ કિમીનો નેશનલ હાઈવે અત્યંત બિસ્માર હોવાથી ધૂળની ડમરીઓ અને કમ્મરતોડ ખાડાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજુલાથી હિંડોરણા માત્ર ત્રણ કિમીનો રસ્તો ખખડધજ હોવાથી પીડબ્લ્યૂડી વારંવાર માટી નાખે છે અને એ માટીમાં ગડગડીયા નાના પથ્થરોના કારણે ખાડા પડી જાય છે સાથોસાથ ધૂળની ડમરીઓ ઉડવાથી ચાલકોએ વાહન પર કાબૂ ગુમાવવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. આમ રાજુલાથી ડુંગર, કાતર સહિતના અનેક માર્ગો સારા કહી શકાય તેવા નથી. ત્યારે આ રસ્તાઓ રિપેર થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.