રાજુલાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી જે.એ. સંઘવી હાઈસ્કૂલના સુપરવાઇઝર અશોકભાઈ મહેતાના સન્માનમાં એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહેલા મહેતાની ૩૪ વર્ષની દીર્ઘકાલીન સેવાની કદરદાની રૂપે આ કાર્યક્રમ ગત તારીખ ૧૧ ઓક્ટોબર, ૨૦૨૪ને શુક્રવારે આહીર સમાજની વાડી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મહેતા તરફથી શાળાના ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં શાળાના શિક્ષકગણ, રાજુલા શહેરના નામાંકિત ડાક્ટરો, વેપારીઓ, તાલુકાના આચાર્ય તેમજ મહિલા કાલેજના પ્રિન્સિપાલ રીટાબહેન રાવળ અને પ્રોફેસર બહેનોએ હાજરી આપી હતી.