રાજુલા શહેરના લિંડકિયા શેરી વિસ્તારના રહીશો ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી આ સમસ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા કચેરી ખાતે કાયમી ચીફ ઓફિસર ન હોવાથી સમસ્યા સાંભળવાવાળું કોઈ નથી. બીજી તરફ રાજુલા શહેરમાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તો શહેરના અનેક પ્રશ્નોનું નિરાકરણ આવે. સ્થિતિ એટલી ખરાબ છે કે ગટરના પાણી હવે છેક એક છેડેથી બીજા છેડા સુધી પહોંચી ગયા છે. જેથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને શાળાએ જવા નાછુટકે ગટરના પાણીમાંથી ચાલવું પડે છે. આ વિસ્તારનાં સ્થાનિકોએ એક વર્ષથી વારંવાર ઉભરાતી ગટરની સમસ્યા અંગે રજૂઆત કરી પરંતુ કામગીરી હજી શૂન્ય જ છે. સરકારના જન પ્રતિનિધિઓ વિકાસની વાત કરતા હોય ત્યારે આવો વિકાસ જોઈને સ્થાનિકોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે.