જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામથી આઠ કિલોમીટર દૂર આવેલા ગુજરાત સરકાર દ્વારા સંચાલિત કાર્યરત ૮૦૦ મેગાવોટના થર્મલ પાવર પ્લાન્ટને કારણે આ વિસ્તારમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે. પરંતુ આ વિકાસ સાથે જ રસ્તાઓની દુર્દશા વધી ગઈ છે. ખાસ કરીને લોઠપુરથી રાજુલા જતા રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. આ રસ્તા પરથી પાવર પ્લાન્ટ, રિલાયન્સ ડિફેન્સ, સ્વાન એનર્જીર્ અને ભાગોદર સ્વાન કંપનીના વાહનો સહિત દરરોજ ૧૦૦ થી ૧૫૦ ડમ્પરો, લોડિંગ વાહનો, પથ્થરના વાહનો અને સિમેન્ટ ભરેલા વાહનો આવન જાવન કરે છે. આ ભારે વાહનોના કારણે રસ્તા પર ખાડા પડી ગયા છે, જેના કારણે અકસ્માતનો ભય સર્જાયો છે. આ રસ્તો પહેલા પીડબલ્યુડી હસ્તક હતો, પરંતુ હવે ઉદ્યોગોના વિકાસને કારણે આ રસ્તો ત્રણેય કંપનીઓને દત્તક આપવામાં આવ્યો છે. પરંતુ કોઈ પણ કંપની રસ્તાને રિપેર કરવા તૈયાર નથી. પાવર પ્લાન્ટ વાળા કહે છે કે રિલાયન્સ ડિફેન્સ રસ્તો રિપેર કરશે, જ્યારે રિલાયન્સ ડિફેન્સ બંધ થઈ ગયું છે અને હવે સ્વાન એનર્જી કામ કરે છે. આમ પીડબલ્યુડી, પાવર પ્લાન્ટ, રિલાયન્સ ડિફેન્સ અને સ્વાન એનર્જીર્ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. જેના કારણે રસ્તાની દુર્દશા દિવસે ને દિવસે વધી રહી છે. આ રસ્તાની ખરાબ સ્થિતિનો ભોગ ગ્રામજનો બન્યા છે, જેમને રાજુલા આવવા માટે આ રસ્તો ઉપયોગ કરવો પડે છે. ગ્રામજનોએ માંગ કરી છે કે સરકાર ઝડપથી કાર્યવાહી કરીને આ રસ્તો રિપેર કરાવે.