રાજુલા બાયપાસ રોડ પર મોડી સાંજે તુફાન ગાડીનો ગંભીર અકસ્માત સર્જાતા ૧૮ યાત્રાળુઓ ઘાયલ થયા હતા. જાત્રા પૂર્ણ કરીને પોતાના વતન શિયાળબેટ ગામ પરત ફરી રહેલા પરિવારજનોને લઈ જતું વાહન અચાનક નિયંત્રણ ગુમાવતા વીજળીના થાંભલા સાથે અથડાયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને બાયપાસ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જાણ થતાં રાજુલા પોલીસ, ૧૦૮ ઇમરજન્સી સેવા અને સ્થાનિક યુવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.









































