તા.૦૭/૦૬/૨૦૨૫ના રોજ રાજુલા ટાઉનમાંથી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલા ૧૬ વર્ષીય સગીરને રાજુલા પોલીસે ગણતરીની કલાકોમાં શોધી કાઢી તેના માતા-પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું. બપોરના આશરે બે વાગ્યે રાજુલા પો.ઈન્સ. એ.ડી. ચાવડાને લાલજીભાઈ મોહનભાઈ પરમાર નો ફોન આવ્યો હતો, જેમણે જણાવ્યું કે તેમનો દીકરો વૈભવ ઘરેથી નીકળી ગયો છે અને તેની કોઈ ભાળ મળતી નથી. આ બાબતને ગંભીરતાથી લઈ, પોલીસે સગીરને શોધી કાઢવા સર્વેલન્સ ટીમને સૂચના આપી. પોલીસ ટીમે અલગ-અલગ દિશામાં તપાસ કરતા અને ટેકનિકલ સોર્સના આધારે જાણવા મળ્યું કે વૈભવ રાજુલાથી બાંદ્રા (મુંબઈ જતી) ટ્રેનમાં બેસીને નીકળી ગયો છે અને બોટાદ નજીક પહોંચ્યો છે. જેથી ગુજરાત રેલવે પોલીસ, બોટાદની મદદ લઈને વૈભવને બોટાદ રેલવે સ્ટેશન ખાતે ઉતારવામાં આવ્યો હતો.







































