રાજુલા નગરપાલિકામાં ઘનશ્યામ લાખણોત્રાએ પ્રમુખપદેથી રાજીનામું આપ્યા બાદ આજે પાલિકા પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. ભારે સસ્પેન્સ અને ચર્ચીત બનેલી આજરોજ યોજાયેલ આ ચૂંટણીમાં કોંગ્રેસના બે જૂથોમાં રજનીભાઈ જાલંધરાને ૧ર જ્યારે સામે છત્રજીતભાઈ ધાખડાને ૧૪ કોંગ્રેસના સભ્ય અને ૧ ભાજપના સભ્યના મત મળતા ૧પ સભ્યોની બહુમતી સાથે છત્રજીતભાઈ ધાખડા ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારને ૧ર મત મળેલ અને ૧ સભ્ય ગેરહાજર રહેલ. આમ રાજુલા પાલિકામાં કુલ ર૮ સભ્યોમાંથી કોંગ્રેસના ર૭ અને ભાજપના ૧ સભ્ય ચૂંટાયા છે. જેમાં અંદરો-અંદરની ખેંચતાણમાં અવાર નવાર પ્રમુખો બદલાયા છે અને ૪ વર્ષમાં ૮માં પ્રમુખ ચૂંટાઈ આવ્યા છે. આ તકે નવા ચૂંટાઈ આવેલા પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ જણાવ્યું હતુ કે, પાલિકાના પડતર પ્રશ્નોના સત્વરે અને ઝડપથી ઉકેલ આવે તેવા મારા પ્રયત્નો રહેશે. તો બીજી તરફ આજરોજ યોજાયેલ પાલિકા પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મીડિયા કર્મીઓને દૂર રાખવામાં આવતા સમગ્ર મીડિયા કર્મીઓમાં નારાજગી વ્યાપી હતી.