રાજુલામાં છેલ્લાં ઘણા સમયથી પાણીની રામાયણ છે. પાલિકા દ્વારા યોગ્ય કામગીરી થતી ન હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજુલા શહેરમાં ૨ વર્ષથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી છે. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ચીફ ઓફિસરની નિમણૂંક કરવાની રજૂઆત કરવામાં આવી છે. રાજુલા શહેર વિકાસ અને વસ્તીની દ્રષ્ટિએ દિનપ્રતિદિન વિસ્તરતું જાય છે તે ઉપરાંત નગરપાલિકાના વિકાસના અને લોકોના કામો પણ ખૂબ મોટા પ્રમાણમાં રહે છે. સફાઈ, પીવાનું પાણી અને વર્ષાઋતુના ભરાયેલ પાણીના નિકાલ તેમજ અન્ય વિવિધ કામ સતત ચાલુ રહે છે. રાજુલા શહેરમાં છેલ્લા બે વર્ષથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય સાવરકુંડલાના ચીફ ઓફિસર પાસે ચાર્જ હોય વહીવટી તેમજ અન્ય કામગીરીમાં ખૂબ જ મુશ્કેલીઓ અનુભવાય છે. રાજુલા શહેરની વસ્તી અંદાજે ૫૦,૦૦૦ ઉપર હોય તેમના કામો પણ ટલ્લે ચડતા હોવાથી તાત્કાલિક ચીફ ઓફિસર મૂકવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે આગામી ટૂંક સમયમાં આ પ્રશ્નનો ઉકેલ આવી જશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું છે. આમ, પાલિકામાં કાયમી ચીફ ઓફિસરના અભાવે અરજદારોના કામો પણ ટલ્લે ચડતા હોવાથી ભારે રોષ ફેલાયો છે.