રાજુલા નગરપાલિકામાં ફરજ બજાવતા સુપરવાઇઝર પર પાલિકાના જ કર્મચારીઓએ પગાર વધારાના આંદોલનમાં ન જોડાવાના મનદુઃખને કારણે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ હુમલામાં સુપરવાઇઝર અને વચ્ચે પડેલા સાક્ષીઓને પણ ઈજા પહોંચી હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. સુપરવાઇઝર વિજયભાઈ કાળુભાઈ ચૌહાણ (ઉ.વ.૩૭)એ ગૌતમભાઈ, તુષારભાઈ, સંતોષભાઈ, ઈન્દ્રજીતભાઈ તથા અતુલભાઈ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સુપરવાઇઝર તરીકે રાજુલા નગરપાલિકામાં ફરજ બજાવે છે, જ્યારે કેટલાક આરોપીઓ પોતાના પગાર વધારા અને કાયમી નોકરીની માંગણી સાથે આંદોલન પર બેઠા છે. સુપરવાઇઝર આ આંદોલનમાં જોડાયા ન હોવાથી આરોપીઓએ તેનું મનદુઃખ રાખ્યું હતું. તેઓ વાલ્મીકિ વાસમાં ગયા ત્યારે ગૌતમભાઈએ તેમને ગાળો આપી હતી અને પથ્થરનો છૂટ્ટો ઘા કર્યો હતો. આ ઉપરાંત, જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકાપાટુનો માર મારી આરોપી ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર બાદ તમામ આરોપીએ ગેરકાયદેસર મંડળી રચી, એકસંપ કરી, પોતાનો સમાન ઇરાદો પાર પાડવા માટે પાછા આવ્યા હતા અને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. જ્યારે સાક્ષીઓ જગદીશભાઈ, હરેશભાઈ,
અને અશ્વિનભાઈ ફરિયાદીને બચાવવા વચ્ચે પડ્યા, ત્યારે આરોપીઓએ તેમને પણ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. જે બાદ ગૌતમભાઈ હંસરાજભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫)એ વિજયભાઈ કાળુભાઈ ચૌહાણ, જગદિશભાઈ જેન્તિભાઈ ચૌહાણ, હરેશભાઈ બાબુભાઈ ચૌહાણ તથા લાલજીભાઈ કાનજીભાઈ ઝાપડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ સફાઈ કામદાર અને સાક્ષીઓ પોતાના સમાજના માણસો સાથે હાલ તેમની માંગણીઓ માટે આંદોલન પર બેઠા છે, જ્યારે ચારેય આરોપીઓ નગરપાલિકામાં અન્ય કામગીરી કરે છે. આંદોલન પર બેસવાના મુદ્દે આરોપીઓએ ફરિયાદી અને સાક્ષીને જેમ ફાવે તેમ ગાળો આપી હુમલો કર્યો હતો. આરોપી વિજયભાઈએ તેમને જમણા હાથમાં કલાઈના ભાગે લાકડાના ધોકાનો એક ઘા માર્યો અને મોઢા ઉપર ઢીકો માર્યો હતો. આરોપી લાલજીભાઈએ ફરિયાદીને ડાબા હાથે ઢીકો મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આરોપી હરેશભાઈએ સાક્ષી ઇન્દ્રજીતભાઈના હાથમાં મોટરસાયકલની ચાવી રાખી ગળાના આગળના અને પાછળના ભાગે ઢીકાઓ મારી ઉઝરડા કર્યા હતા. ચારેય આરોપીઓએ સાક્ષીને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપી વિજયભાઈએ ફરિયાદી અને સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એલ. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































