રાજુલા તાલુકાના અગાઉથી નક્કી કરેલ ૨૧ સ્થળો પર બુધવારે ૩૧૦ માતા અને બાળકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ અપાઈ હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડા. નિલેશ વી. કલસરીયા દ્વારા દાતરડી ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે આયોજિત મમતા દિવસની મુલાકાત લઇ આરોગ્ય સ્ટાફ દ્વારા અપાતી આરોગ્ય સેવાઓ તેમજ રસીકરણ બાદ આપવામાં આવનાર પાંચ મુખ્ય સંદેશાની સમીક્ષા કરવામાં આવેલ હતી. મમતા દિવસમાં સગર્ભા માતાઓને વજન, ઉંચાઈ, બ્લડ રિપોર્ટ, યુરીન રિપોર્ટ, ધનુરનું ઇન્જેક્શન, લોહતત્વની ગોળીનું વિતરણ, બીપીની તપાસ અને પેટની તપાસ કરી મમતા કાર્ડ કાઢી આપવામાં આવે છે. જયારે પાંચ વર્ષથી નીચેના બાળકોને વજન અને રસીકરણ સેવાઓ તેમજ ધાત્રી માતાઓ અને ૧૦ થી ૧૯ વર્ષના કિશોર અને કિશોરીઓને લોહતત્વની ગોળી, તપાસ અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે.