રાજુલા પંથકમાં જૂની અદાવતમાં એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. એક વર્ષ પૂર્વે થયેલા પ્રેમ પ્રકરણનો બદલો લેવા માટે ત્રણ શખ્સોએ એકસંપ કરી યુવકને બે કલાક સુધી પટ્ટા અને દોરી વડે બેરહેમ માર માર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. આ અંગે નરશીભાઇ ટભાભાઇ સોલંકી (ઉ.વ.૩૪) એ ધારેશ્વર ગામના રાજેશ ઉર્ફ રાકેશ ભનુભાઇ સોલંકી, સુરસિંહ ભનુભાઇ સોલંકી તથા નવા માંડરડી ગામના કેવલ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, મૃતક દિનેશભાઈ ટભાભાઈ સોલંકી (ઉં.વ. ૩૫, રહે. ઘારેશ્વર) ને એક વર્ષ પહેલા તેમના કુટુંબી ભાઈ ભનુભાઈની દીકરી સોનલ સાથે પ્રેમ સંબંધ હતો. દિનેશભાઈ સોનલને મોરબી ભગાડી ગયા હતા. આ બાબતનો ખાર રાખી આરોપીઓ અવારનવાર દિનેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જોકે, બે મહિના બાદ સોનલ પરત પોતાના પિતાના ઘરે આવી ગઈ હતી, પરંતુ બંને પક્ષો વચ્ચે મનદુઃખ યથાવત હતું. તા. ૧૮/૦૪/૨૦૨૬ના રોજ દિનેશભાઈ મોરબીથી ભાક્ષી-૧ ગામે સાહેદ કાળુભાઈની વાડીએ મજૂરો લેવા માટે આવ્યા હતા. રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં જ્યારે તેઓ વાડીએ સૂતા હતા, ત્યારે ત્રણ આરોપીઓ મોટરસાયકલ પર ત્યાં ધસી આવ્યા હતા. આરોપીઓએ દિનેશભાઈને વાડીથી થોડે દૂર લઈ જઈ તું અમારી બહેનને ભગાડી ગયો હોવાથી અમારી આબરૂ ગઈ છે તેમ કહી ગાળો ભાંડી હતી. ત્યારબાદ રાજેશ ઉર્ફે રાકેશે પોતાના પેન્ટનો પટ્ટો કાઢી દિનેશભાઈને ફટકારવાનું શરૂ કર્યું હતું. સુરસિંહભાઈએ દોરી વડે મુંઢ માર માર્યો હતો. તેમજ કેવલભાઈએ પણ પટ્ટા વડે આખા શરીરે જીવલેણ માર માર્યો હતો. આ ત્રણેય શખ્સોએ વારાફરતી સતત બે કલાક સુધી પટ્ટા અને દોરીથી દિનેશભાઈને એટલો ક્રૂર માર માર્યો કે તેમના આખા શરીરે અસંખ્ય ગંભીર ઈજાઓ પહોંચી હતી. માર માર્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા. ગંભીર હાલતમાં દિનેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજુલા પોલીસ સ્ટેસનના પીઆઈ વીએમ કાલોદરા વધુ તપાસ કરી રહ્યા છે.