રાજુલામાં માવઠા બાદ ફરી રોડ રસ્તાની દયનીય હાલત
રાજુલા પંથકમાં આવેલા તાલુકામાંથી જતા ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે ભારે વરસાદના કારણે ધોવાણ થયું છે જેથી વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગો અંગે સમીક્ષા કરી તંત્ર તાકીદે સમારકામ, ખાડા બુરવા જેવી વિવિધ કામગીરી શરૂ કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે અને માંગ ઉઠાવી રહ્યા છે. રીક્ષા ચાલકે કહ્યું રાજુલાથી આંબરડી બકાલુ ભરી જઈએ છીએ. રસ્તા એટલા ખરાબ છે રીક્ષાને ખૂબ નુકસાન થાય છે. દરરોજ અહીંયાથી ચાલીએ છીએ. આની સામે હવે તંત્ર જુવે તો સારું. દુનિયાના ખાડા છે કયો ખાડો તારવવો, કયો ખાડો ન તારવવો કાંઈ ખબર પડતી નથી. વાહન ચાલક મનીષભાઈ ત્રિવેદીએ કહ્યું, હું દરરોજ ગારીયાધાર અપડાઉન કરું છું કોઈ ધ્યાન નથી આપતું. રાજુલા બાયપાસ વાળો આખો રસ્તો ખરાબ છે. હજારો ટ્રક ચાલે છે અમરેલી જિલ્લા કલેકટર સહિત કોઈ ધ્યાન નથી આપતું. વિજપડી રસ્તો પણ ખરાબ છે. આવક જાવકમાં એક પણ રસ્તો સારો નથી. ત્રણ ત્રણ કંપનીઓ આ વિસ્તારમાં હોવા છતાં કોઈ ધ્યાન નથી આપતું. રાજુલા સાવરકુંડલા રોડ ઉપર ઠેર ઠેર ખાડા છે. દૂધના વાહન ચાલક નિલેશભાઈએ કહ્યું બોલેરોમાં દૂધ લઈ હું દરરોજ નીકળું છું. દરરોજ અમારે દૂધ ઢોળાય છે. ખાડાના કારણે ગાડી ઉભી રાખવી પડે, આગળ પાછળ લેવી પડે. હિંડોરણાથી રાજુલા બાયપાસ સાવરકુંડલા સુધી દૂધના બધા વાહન ચાલકો પરેશાન થાય છે. ખાડામાં કેટલું પાણી ભર્યું હોય ખબર હોતી નથી. અમારી ગાડીઓ અંદર ઘૂસી જાય છે. અમારી ગાડી બે વાર પલટી મારી જતા જતા રહી ગઈ. ખાડા બુરો નહિતર અમે ધંધો બંધ કરી દઈએ. આ મુદ્દે માર્ગ મકાન વિભાગના અધિકારી અભિજીતસિંહ ગોહિલનો સંપર્ક કહ્યું રાજુલા બાઢડા માર્ગનો ખાલી હવે વર્કઓર્ડર દેવાનો બાકી છે અને બે ત્રણ દિવસ વરસાદ ન આવે તો પેચવર્કની કામગીરી શરૂ કરીશું.
રાજુલા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ઠેર ઠેર ખાડા
રાજુલા શહેરમાં ભારે વરસાદ પડવાના કારણે શહેરના જાફરાબાદ રોડ, બસ સ્ટેન્ડ રોડ, ટાવર રોડ, છતડીયા રોડ, ભેરાઈ રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો ઉપર ધોવાણ થવાના કારણે માર્ગો બિસ્માર બન્યા હોવાથી લોકોમાં વધુ રોષ છે. જોકે નગરપાલિકા દ્વારા રાજુલા શહેરના અતિ મોટા ખાડાઓ છે તે કેટલાક છુટાછવાયા બુરવામાં આવ્યા હતા પરંતુ નાના ખાડાઓ ફરીવાર બુરવામાં આવે તેવી શહેરીજનોએ માંગ ઉઠાવી છે.









































