રાજુલા,જાફરાબાદ અને ખાંભા પંથકમાં તૌકતે વાવાઝોડા બાદ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો હજુ પૂર્વવત થયો ન હોવાથી આ બાબતે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રાજયના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં જણાવાયું છે કે, રાજુલા વિધાનસભા વિસ્તારમાં ખેતીવાડીના ૭૦૦ જેટલા મોટા ટી.સી.બંધ હાલતમાં છે. તેને રિપેર કરવા કે બદલીને નવા લગાડવામાં આવ્યા નથી. જેના કારણે લોકોને ખેડૂતોને ખુબજ હાલાકી ભોગવવી પડી રહી છે. અમરેલી જિલ્લાના ટી.સી.નું રિપેરીંગ કામ સાવરકુંડલા ખાતે જ થતું હોવાથી ત્યાં કામનો ભરાવો થયો છે જેના કારણે ટી.સી.સમયસર રિપેર થઈ શકતા નથી. ૭૦૦ જેટલા ટી.સી. હાલ સાવરકુંડલા ખાતે જ બંધ હાલતમાં પડયા હોવાનું જાણવા મળ્યુ છે જેથી ટીસી રિપેરીંગનું કામ અન્ય શહેરોમાં કરાવવું જરૂરી છે. લોકો અને ખેડૂતોને પડતી મુશ્કેલી આગામી આઠ દિવસમાં હલ નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.