રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક પાછળ એક કાર ધડાકાભેર અથડાતા કારમાં સવાર અરજણભાઈ ભોજભાઈ મોરીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય ત્રણ મુસાફરો ધર્મેન્દ્રસિંહ કનુભાઈ પરમાર, સંજયસિંહ જોરસન મોરી અને નીતાબેન સંજયસિંહ મોરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.મૃતક અને ઈજાગ્રસ્તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપીને સિહોર તાલુકાના વડીયા ગામે પરત ફરી રહ્યા હતા. કાર અડધી ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી અને મૃતદેહ તેમજ ક્ષતિગ્રસ્ત કારને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. ઘટનાસ્થળે હિંડોરણા બ્રિજ પર બે ટ્રક અને એક મોટું ટ્રેલર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા જોવા મળ્યા હતા, એટલું જ નહીં પરંતુ બ્રિજની નીચે પણ અનેક ટ્રક-ટ્રેલર અને કન્ટેનર્સ ઊભા હતા. પોલીસે આ ગંભીર બેદરકારી બદલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક લોકો દ્વારા હાઈવે પર ગેરકાયદેસર ર્પાકિંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.










































