રાજુલા તાલુકામાં પાઇપલાઇન મુદ્દે વિવાદ વધુ ઘેરો બન્યો છે. રાજુલા-જાફરાબાદ નગરપાલિકા માટે ધાતરવડી ડેમ-૧માંથી નવી પાઇપલાઇન નાખવાના કામનો સ્થાનિક ખેડૂતો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે રાજુલાના ધારેશ્વર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા.આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ તંત્રને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપતાં જણાવ્યું હતું કે, જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ખેડૂતો ભાજપના નેતાઓનો બહિષ્કાર કરશે અને ગામેગામ બેનર લગાવશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ધાતરવડી ડેમ-૧માંથી પીવાના પાણીના બહાને ખેડૂતોના સિંચાઈનું પાણી ઉદ્યોગપતિઓને આપવાનું કાવતરું છે. રાજુ કરપડાએ ચીમકી ઉચ્ચારી હતી કે જો પાંચ દિવસમાં ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષાય તો ભાજપના નેતાઓને ગામડાઓમાં પ્રવેશવા દેવામાં નહીં આવે અને તેમના વિરુદ્ધ બેનર લગાવવામાં આવશે. વધુમાં, આગામી ચૂંટણીઓમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.










































