હાલની કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા. રશ્મિકાંત જોષી અને આર.સી.એચ.ઓ. ડા. એ.કે. સિંઘ દ્વારા રાજુલા તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન ગામવાર બ્લડ ડોનરની યાદી, હોસ્પિટલના બેડની સંખ્યા, એમ્બ્યુલન્સ અને ઉપલબ્ધ દવાઓના જથ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય અધિકારીઓએ દરિયાઈ પટ્ટી વિસ્તારના ખેરા અને વિકટર આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી હોસ્પિટલ રાજુલાની મુલાકાત લીધી હતી. અહીં આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટેના આયોજન અંગે માહિતી મેળવવા માટે આરોગ્ય સ્ટાફ અને મેડિકલ ઓફિસરો સાથે મિટિંગ યોજવામાં આવી હતી. વધુમાં, માતા અને બાળ મરણ ઘટાડવા તથા શ્રેષ્ઠા પ્રોજેક્ટ અંતર્ગત રાજુલા તાલુકાના સ્ત્રીરોગ અને બાળરોગ નિષ્ણાત ડોક્ટરો સાથે ડા. જી.જે. ગજેરા, ડા. રશ્મિકાંત જોષી, ડા. એ.કે. સિંઘ અને ડા. એન.વી. કલસરીયા દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં સરકારના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા અને સગર્ભા માતાઓને ઘનિષ્ઠ સારવાર પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.








































