રાજુલા તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સમક્ષ તાલુકાના ખાણ પ્રભાવિત ગામો અને વિવિધ વિકાસ કાર્યો અંગે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી.
રાજુલા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ ધાખડાની આગેવાની હેઠળ, વિવિધ ગામોના સરપંચો અને પ્રતિનિધિઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. તેમાં મોટા આગરીયાના પ્રકાશભાઈ ખુમાણ, સમઢીયાળાના ભરતભાઈ, કુંભારીયાના મંગળુભાઈ, ધારાનાનેસના ભરતભાઈ, ભચાદરના મહેશભાઈ, માંડરડીના તખુભાઈ, વાવડીના વિરજીભાઈ, હીંડોરણાના અનકભાઈ, કોવાયાના હરસુરભાઈ, વડના જીણાભાઇ, જુની માંડરડીના જેઠુરભાઈ, માજી સરપંચ દેવાયતભાઈ સહિત અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, સરપંચોએ તેમના ગામોની વિવિધ સમસ્યાઓ અને વિકાસ કાર્યોની જરૂરિયાતો અંગે ચર્ચા કરી હતી. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સરપંચોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને રાજુલા તાલુકા તેમજ ૯૮ વિધાનસભા ક્ષેત્રના તમામ ગામોમાં વિકાસ કાર્યો માટે પૂરતા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.