રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાંથી સિંહની પજવણી કરાતી હોવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવે છે. આવી ઘટનાઓ રોકવા માટે વનતંત્ર માયકાંગલુ સાબિત થઈ રહ્યું છે. જા કે ફરી એકવાર સિંહની પજવણી કરાતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાડી વિસ્તારમાં એક ટ્રેક્ટરચાલક સિંહ પાછળ પોતાનું ટ્રેક્ટર ભગાવી દોડતા સિંહનો વીડિયો ઉતારી રહ્યાનું જોવા મળે છે. આવી ઘટના સામે આવતાં સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. આ વાઇરલ વીડિયો મામલે વન વિભાગે તપાસ શરૂ કરી છે. વીડિયોમાં જાવા મળતા દૃશ્યો મુજબ રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાં વાડીમાં રહેલા સિંહ પાછળ ટ્રેક્ટરચાલક પોતાનું ટ્રેક્ટર દોડાવી રહ્યો હોવાનું લાગી રહ્યુ છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈ પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના વન અધિકારીએ વીડિયો મામલે તપાસ કરવામાં આવશે તેવુ જણાવ્યુ હતું. સિંહોની પજવણી કરનારાઓ સામે વનવિભાગ કડક કાર્યવાહી કરે તેવી સિંહપ્રેમીઓ માંગ કરી રહ્યાં છે.