રાજુલા તાલુકાના ચારોડિયા ગામે પારદર્શક પ્રશાસન માટે સરકારના દસમાં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર ભગીરથભાઈ ચૌહાણ અને તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ કલસરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં રાજુલા-ખાંભાખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરીયા, સરપંચ એસોસિએશન પ્રમુખ મનુભાઈ ધાખડા સહિત આગરીયા સરપંચ પ્રકાશભાઈ ખુમાણ, વડલી સરપંચ મગનભાઈ હરિયા, કુંભારિયા સરપંચ ભરતભાઈ દીપડીયા અને સરપંચ પ્રેમજીભાઈ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની વિશેષ ઉપલબ્ધિ તરીકે ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોમાં બીપીએલ યાદીમાં ૦ થી ૨૦ના સ્કોરવાળા ૬૦ વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તલાટી કમ મંત્રીઓએ ઘરે-ઘરે જઈને વૃદ્ધ સહાય અને વિધવા સહાયના ફોર્મ ભરાવ્યા હતા. આ અંતર્ગત ૧૦૭ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે મંજૂરીના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ વિભાગોની કુલ ૧૩૮૫ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.