રાજુલા તાલુકાના કોટડી ગામે રહેતા કરશનભાઇ પુનાભાઇ સાંખટના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર ઇસમોએ લાખોની મત્તાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. તારીખ ૨૧/૦૪/૨૦૨૫ થી ૨૨/૦૪/૨૦૨૬ દરમિયાન બનેલી આ ઘટનામાં તસ્કરોએ મકાનની દીવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ રૂમના અને ત્યારબાદ અંદર રાખેલી લોખંડની પેટીના નકુચા તોડી કબાટમાં રાખેલ શુટકેસમાંથી સોનાની વિવિધ વીંટીઓ, કરડો, સોનાના દાણા, છીપ, બીજ પારો અને કડીઓ સહિત કુલ ૧૭ ગ્રામથી વધુ સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ ઉપરાંત આશરે ૫૦૦ ગ્રામ ચાંદીના ઘરેણાં જેમાં જુડો, કાંબીયુ, લકી અને અન્ય સામાન સહિત ૫૦૦૦ની રોકડ રકમ મળી કુલ ૮૫,૦૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એસ.બી.જાનીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










































