સામાન્ય રીતે દિવાળીના તહેવાર દરમિયાન આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે અને જાનહાનિ થવાના બનાવો પણ બનતા રહે છે. ગતરાત્રે રાજુલા-જાફરાબાદ રોડ પર આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જેમાં બે કેબીનોમાં આગ ભભૂકતા અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, આગ અન્ય કેબીનોને લપેટમાં લે તે પહેલા જ પાલિકાની ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા વધુ નુકસાન થતા અટક્યું હતું.
રાજુલા-જાફરાબાદ રોડ પર સરકારી ક્વાર્ટર સામે અદાલત નજીક આ બનાવ બન્યો હતો. જેમાં ગેરેજ અને સ્કૂટર રિપેરીંગની બે કેબીનોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં કેબીનોમાં પડેલ વાહનો બળીને ખાખ થતા નુકસાન થયું હતું. ઘટનાને પગલે પોલીસ અને હોમગાર્ડ જવાનો સહિત પાલિકા પ્રમુખ તથા સદસ્ય અમિતભાઇ દોડી આવ્યા હતા. ફાયર વિભાગના મનુભાઇએ જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. સદ્‌નસીબે અન્ય કેબીનોમાં આગ ન પ્રસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.