અમરેલી જિલ્લામાં છેલ્લા ૧પ દિવસથી અમુક તાલુકાઓમાં ભારે તો અમુક તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતાં ધરતીપુત્રોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, લાઠી, બગસરા સહિતના ગામોમાં મેઘરાજાએ હેત વરસાવતાં નદી-નાળા અને ચેકડેમો છલકાવ્યાં છે. ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં નવા નીરની આવક પણ થઇ છે. પરંતુ હજુ ધારી, રાજુલા, જાફરાબાદ જેવા તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ ન થતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. જેઠ માસ પુરો થવા આવ્યો હોવા છતાં જિલ્લાના ત્રણ-ચાર તાલુકાને બાદ કરતાં કોઇપણ તાલુકામાં વાવણીલાયક વરસાદ ન થતાં હજુ ખેડૂતો ચાતક નજરે વાવણીલાયક વરસાદની રાહ જાઇ રહ્યાં છે. જેમાં ખાસ કરીને રાજુલા અને જાફરાબાદ તાલુકામાં મેઘરાજા જાણે રીસાયા હોય તેવું લાગી રહ્યું છે. આથી જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે આવેલ સરકેશ્વર મહાદેવ મંદિર ખાતે વરૂણદેવને રીઝવવા માટે જળાભિષેક કરવામાં આવ્યો હતો. આજદિન સુધી વઢેરા ગામે વરસાદ ન પડવાના કારણે ખેડૂતો ચિંતાતુર થયા છે. ત્યારે વઢેરા સમસ્ત ગામ દ્વારા સરકેશ્વર મહાદેવ મંદિર ખાતે જળાભિષેક કરવામાં આવ્યો હતો. જળાભિષેક કરી વરૂણદેવ પ્રસન્ન થાય તેવી ખેડૂતોએ પ્રાર્થના કરી હતી.