રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ૬૦ હજારથી વધુ પશુધન હોવા છતાં પશુપાલન વિભાગની કામગીરી અનેક પ્રશ્નો વચ્ચે ઘેરાઈ છે. વર્ષોથી પશુધન નિરીક્ષકોની છ જગ્યાઓ ખાલી હોવાથી ખેડૂતો અને માલધારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટાફની અછતના કારણે એક પશુધન નિરીક્ષકને સામાન્ય રીતે દસ ગામોની જવાબદારી હોવી જોઈએ, પરંતુ હાલમાં એક-એક નિરીક્ષકને વીસ જેટલા ગામો સંભાળવા પડે છે. પરિણામે રસીકરણ અને અન્ય જરૂરી સેવાઓ સમયસર મળી શકતી નથી.પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પશુધન નિરીક્ષકોને પોતાના ખર્ચે વાહન વ્યવસ્થા કરીને ગામડાઓમાં જવું પડે છે. બીજી તરફ અનેક સ્થળોએ નિરીક્ષકો માટે યોગ્ય ઓફિસની પણ સુવિધા ઉપલબ્ધ નથી. ડુંગર ખાતે પશુચિકિત્સા કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલે છે, જ્યારે અધિકારીઓ માટે ફાળવાયેલી જૂની ઓફિસ જર્જરિત હાલતમાં છે. ખેડૂતોને જરૂરી સમયે નિરીક્ષકોનો સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડે છે.નિરીક્ષકોની અછતનો લાભ લઈને કેટલાક ગોપાલ મિત્રો સારવારના ક્ષેત્રમાં પ્રવેશી ગયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ગોપાલ મિત્રોને માત્ર કૃત્રિમ બીજદાન અને રસીકરણની મર્યાદિત તાલીમ આપવામાં આવે છે, છતાં કેટલાક લોકો પશુઓને ઇન્જેક્શન અને દવાઓ આપતા હોવાનું કહેવાય છે. આ કારણે પશુઓના આરોગ્ય પર જોખમ ઊભું થઈ રહ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. માલધારી સમાજ અને ખેડૂતો દ્વારા ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા, ડિગ્રી વગર સારવાર કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ડુંગરમાં નવું પશુ દવાખાનું શરૂ કરવાની માંગ ઉઠી છે. સાથે જ રાજુલા અથવા નાગેશ્રી વિસ્તારમાં વધારાનું પશુ દવાખાનું ફાળવવાની પણ રજૂઆત કરવામાં આવી છે.






































