રાજુલા-જાફરાબાદ પંથકમાં ભારે કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થયા બાદ, ૭૨ ગામના સરપંચોએ રાજ્ય સરકારના ડિજિટલ સર્વેની કામગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો છે. તાલુકા સરપંચ એસોસિએશનના નેતૃત્વ હેઠળ એકત્ર થયેલા સરપંચોનો આક્ષેપ છે કે ડિજિટલ સર્વેના કારણે અનેક ખેડૂતો સહાયથી વંચિત રહી જાય છે. ભારે નુકસાન થયું હોવાથી સર્વેની જરૂર નથી. તમામ સરપંચોએ સર્વસંમતિથી ડિજિટલ સર્વેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને સરકાર પાસે ખેડૂતોને સર્વે વગર સીધી સહાય આપવાની માંગણી કરી છે. આ અંગે તેમણે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત પણ કરી છે.








































