રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂનના ગુનામાં પોલીસે મહત્વની સફળતા હાંસલ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને આ ગુનો આચર્યો હતો. ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનની ટીમે આ ગુનાના તપાસમાં ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ગુનામાં વપરાયેલા હથિયારો અને વાહન પણ કબજે કર્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનો પ્રેમ સંબંધોને લગતો હતો. મૃતક મનુભાઇ ઉર્ફે મામયોના મિત્ર નાગભાઇ દડુભાઇ વણઝર અને આરોપી એકતાબેન હમીરભાઇ લાખણોત્રા વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ જ કારણે આરોપીઓએ મનુભાઇની હત્યા કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કનુભાઇ બાબુભાઇ લાખણોત્રા, નાગભાઇ વાજસુરભાઇ વાઘ, વિપુલભાઇ મેરાભાઇ કસોટીયા, જયદીપભાઇ કાળુભાઇ ચૌહાણ અને કાળુભાઇ મંગાભાઇ મેરનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.