રાજુલામાં ગ્રામ્ય વિસ્તારની બસો સમયસર આવતી ન હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેને લઇ વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના યુવા કાર્યકરોએ રાજુલા એસટી ડેપો ખાતે ચક્કાજામ કરતા ડેપો મેનેજર દોડી આવ્યા હતા. ચક્કાજામને પગલે ધારાસભ્ય અંબરીશ ડેર પણ આવી પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રશ્ન અંગે એસટી તંત્રને રજૂઆત કરી આ સમસ્યાનો ઉકેલ આઠ દિવસમાં કરવામાં નહીં આવે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. બારપટોળી અને કુંડલીયાળાની બસો અનિયમિત હોવાના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓને ડ્રાઇવર દ્વારા ઉડાઉ જવાબો આપી દેવામાં આવે છે, જેના કારણે આજે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.