રાજુલા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા અને જાફરાબાદના કાગવદરના વતની સુમરાભાઈ લાખણોત્રાએ માનવતા દર્શાવતું ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. તેઓ કાગવદરથી મોટરસાયકલ પર રાજુલા આવતા હતા ત્યારે ચારનાળા પાસે તેમની નજર બાજુના રોડ ઉપર પડતા એક પાકીટ પડેલું હતું. બાજુમાં પૈસાની થપ્પી હતી એ જોઈને તેમણે બાઈકને સાઇડ ઉપર રાખીને જોયું તો તેમાં રોકડા રૂપિયા તેમજ અગત્યના ડોક્યુમેન્ટ હતા. તેમણે રાજુલા ડેપોમાં આવીને કર્મચારીઓને વાત કરી ત્યારે એના ડોક્યુમેન્ટ ઉપરથી જણાયું કે આ પાકિટના માલિક જાફરાબાદના ચિત્રાસર ગામના ભરતભાઈ છે અને તેઓ કેશોદમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમને ફોનથી બોલાવીને રાજુલા એસટી ડેપોના કર્મચારીઓની રૂબરૂમાં ઓળખ કરીને તેમને તેમના રૂપિયા અને ઓરીજનલ ડોક્યુમેન્ટ પરત આપીને નિષ્ઠા અને પ્રમાણિકતા દાખવી હતી.