અમરેલી એસ.ટી. તંત્ર દ્વારા રાજુલા અને ખાંભા પંથકમાં આડેધડ બસ બંધ કરવામાં આવતી હોવાથી ગ્રામજનોમાં એસ.ટી. તંત્ર સામે ભારે આક્રોશ ફેલાયો છે. અમરેલી એસ.ટી. વિભાગ દ્વારા રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં બસ બંધ કરી દેવામાં આવતી હોવાથી વિદ્યાર્થીઓને ચક્કાજામ કરવાની ફરજ પડી હતી તો ડેડાણમાં પણ બસ બંધ કરી દેવામાં આવી હોવાથી ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એસ.ટી. તંત્ર દ્વારા ગમે ત્યારે બસ બંધ કરી દેવામાં આવતી હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આટલી હાલાકી ભોગવતા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી. તંત્રની નીતિ સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.