રાજુલા નગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય પથ સંચલન (રૂટ માર્ચ) અને વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પથ સંચલન લુહાર સુથાર બોર્ડિંગથી શરૂ થયું હતું અને રાજુલા નગરના મુખ્ય માર્ગો પર પસાર થયું હતું. સંચલન જે જે વિસ્તારમાંથી પસાર થયું, ત્યાંના નગરજનોએ ઉમળકાભેર ભગવા ધ્વજ પર પુષ્પવર્ષા કરીને સ્વયંસેવકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પથ સંચલન પૂર્ણ થયા બાદ બોર્ડિંગ ખાતે વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો, સાધુ-સંતો, માતાઓ-બહેનો અને બહોળી સંખ્યામાં શાખાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે રાજુલાના જાણીતા ડાક્ટર જે.એમ. વાઘમશી હતા. ઉત્સવના મુખ્ય વક્તા તરીકે RSSના વિભાગ કાર્યવાહ કુલદીપસિંહ ગોહિલે ઉપસ્થિતોને સંબોધ્યા હતા. તેમણે આગામી સમયમાં શતાબ્દી વર્ષ દરમિયાન યોજાનારા કાર્યક્રમોની પણ માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે RSS દ્વારા લુહાર સુથાર બોર્ડિંગ, પોલીસ વિભાગ, સરકારી તંત્ર, નગરપાલિકા અને પત્રકાર બંધુઓનો આભાર માનવામાં આવ્યો હતો.