રાજુલા શહેરમાં સાયબર ક્રાઇમની એક ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં આરોપીઓએ કુલ રૂ.૧,૨૩,૯૧,૮૬૨ ની સાયબર ફ્રોડની રકમ સગેવગે કરવા માટે એક સ્થાનિક પ્રોપરાઇટરના બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ ફરિયાદ મુજબ, આરોપીઓએ રાજુલાના રહેવાસી અને ‘રીયા ફૂડ’ નામની પ્રોપરાઇટર ફર્મના ધારક અમાન યુસુફભાઈ સેલોતના નામે રાજુલા બેંક ઓફ બરોડામાં ચાલતા કરન્ટ બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.
તહોમતદારોએ રૂ.૧,૨૩,૯૧,૮૬૨ જેટલી મોટી રકમ જે સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી હતી, તેને આ ખાતામાં જમા કરાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.૧૮/૦૮/૨૫ થી ૨૨/૦૮/૨૫ સુધીના સમયગાળા દરમિયાન આરોપીઓએ આ ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવ્યા હતા. આ રકમ ચોરીની કે ગેરકાયદેસર હોવાનું જાણવા છતાં પણ, આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે તે રકમ પોતાના ઓપરેટ થતા બેંક ખાતામાં મેળવી હતી. ત્યારબાદ, આ રકમને ચેક, RTGS, NEFT, અને IMPS જેવા માધ્યમોનો ઉપયોગ કરીને વિડ્રો (ઉપાડી) કરી સગેવગે કરી દીધી હતી. આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓએ એકબીજાને મદદગારી કરીને ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધીને, સાયબર ફ્રોડની આ મોટી રકમના મૂળ સુધી પહોંચવા માટે અને અન્ય આરોપીઓની ધરપકડ માટે વિશેષ તપાસ શરૂ કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.