રાજુલા શહેરમાં ટાવર નજીક આવેલ સરકારી હોસ્પિટલના જૂના ક્વાર્ટર કેમ્પમાં ગત મોડી રાત્રે આગ લાગી હતી. આગની જાણ થતાં સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. હરેશ જેઠવાને ટેલીફોનિક માહિતી આપવામાં આવી હતી. આ અંગે રાજુલા ફાયર વિભાગને ડોક્ટરે જાણ કરી હતી. જ્યાં સુધી ફાયર ફાઈટર ન આવે ત્યાં સુધી આગને કાબુમાં લેવા માટે સરકારી હોસ્પિટલમાંથી ફાયરની બોટલ દ્વારા આગને બુજાવવા માટેના પ્રયત્નો કરાયા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પરંતુ થોડા જ સમયમાં ફાયર ફાયટર આવી પહોંચતા આગને કાબુમાં લેવાનું શરૂ કર્યું હતું. અંતે આ આગને કાબુમાં લેવામાં ફાયર વિભાગને સફળતા મળેલ. આ ક્વાર્ટર બંધ હોવાથી અને ત્યાં રહેણાંક વિસ્તાર ન હોવાથી મોટી દુર્ઘટના બની હતી. આ આગ કઈ રીતે લાગી એનું કારણ હજી સુધી જાણવા મળેલ નથી. આ ક્વાર્ટર ઘણા સમયથી બંધ હાલતમાં છે ત્યારે અહીંયા નવા ક્વાર્ટર ક્યારે બનશે તેવા વેધક પ્રશ્નો પૂછાઇ રહ્યા છે. રાજુલામાં છેલ્લા ઘણા સમયથી આ સરકારી હોસ્પિટલનો સ્ટાફ ગામમાં ભાડે રહે છે.