રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારોનું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું હતું. છેલ્લા સાત દિવસથી પોતાની નોકરી કાયમી કરવા સહિતની માંગણીઓ સાથે હડતાળ પર ઉતરેલા ૧૫૦ જેટલા સફાઈ કામદારો અને તેમના પરિવારે રસ્તા પર ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ મામલે પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો.સફાઈ કામદારોએ રાજુલા-સાવરકુંડલા માર્ગ પર અચાનક ચક્કાજામ કરી દીધો. આંદોલનકારીઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.આ ઘટના બાદ, પોલીસે જીતેશભાઈ ઉર્ફે જીતુભાઈ ચંદુભાઈ બારૈયા સહિત ૩૪ લોકોના નામ આપી અને અન્ય ૧૫૦ જેટલા અજાણ્યા લોકો સામે ગેરકાયદેસર રીતે ભેગા થવા અને જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો.ગુજરાત વાલ્મિકી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાએ જણાવ્યું કે તેમની મુખ્ય માંગણી એ છે કે સફાઈ કામદારોને આખો દિવસ કામ મળે અને તેમને પૂરા દિવસનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે જો નગરપાલિકાનું તંત્ર તેમની વાત નહીં સાંભળે તો સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં આવશે અને આંદોલન વધુ ઉગ્ર બનશે. સફાઈ કામદારોની હડતાળને કારણે શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકાએ સફાઈનું કામ બહારની એક એજન્સીને સોંપી દીધું છે.








































