રાજુલામાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં એક વેપારીને છેલ્લા સાડા ત્રણ વર્ષથી ડરાવી-ધમકાવી, તેની પાસેથી લાખો રૂપિયાની રોકડ અને કિંમતી બુલેટ બળજબરીથી પડાવી લેનાર બે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ અંગે અફજલભાઇ અલ્તાફહુસૈન લાખાણી (ઉ.વ. ૩૭) એ ઉચૈયા ગામના ઉમેશભાઇ દાદાભાઇ ધાખડા તથા દિલીપભાઇ બેપારીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આશરે સાડા ત્રણેક વર્ષ પહેલા આરોપી ઉમેશભાઈ ધાખડાએ વેપારીનો સંપર્ક કરી ઓળખાણ કેળવી હતી. ત્યારબાદ તેને ડરાવી-ધમકાવી શરૂઆતમાં રૂ.૧૦,૦૦૦ પડાવ્યા હતા. આટલેથી ન અટકતા, આરોપીએ અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીનું બુલેટ બળજબરીથી પોતાના નામે લખાવી લીધું હતું. આ ઉપરાંત, સમયાંતરે મોતનો ભય બતાવી કુલ રૂ.૪,૧૦,૦૦૦ કટકે-કટકે પડાવી લીધા હતા. તા. ૧૮/૦૪/૨૦૨૬ ના રોજ સાંજના સમયે આરોપી ઉમેશભાઈ ધાખડા અને દિલીપભાઈ બેપારીયા ફોર વ્હીલર ગાડી લઈને ફરિયાદીના ભંગારના ડેલે ધસી આવ્યા હતા. ત્યાં બંનેએ વેપારીને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી દિલીપભાઈએ યુવકને ઝાપટો મારી હતી, જ્યારે ઉમેશ ધાખડાએ કુહાડીના હાથા વડે ફરિયાદીના વાંસાના ભાગે ફટકા મારી ગંભીર મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ વેપારી પાસે દર મહિને રૂ.૧૦,૦૦૦ ના હપ્તાની માંગણી કરી હતી અને જો આ પૈસા નહીં આપવામાં આવે તો જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એફ. ચૌહાણ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.