રાજુલા એક યુવકને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અંધારામાં લઈ જઈ લૂંટી લેવામાં આવ્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. બનાવ અંગે છતડીયા ગામે રહેતા મહીપતભાઈ ધીરૂભાઈ વાળા (ઉ.વ.૩૨)એ વડ ગામે રહેતા શીવાભાઈ વાલાભાઈ ધાખડા તેમજ રાજુલામાં રહેતા જીગો કુંભાર અને વિપુલ નાનજીભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા સાહેદ હિતેષભાઇ બાબરીયા રાજુલા રાજમંદિર હોટલ પાસે માવો ખાવા માટે ઉભા હતા. તે વખતે મહીપતભાઈ વાળાએ તેમની પાસે આવી દારૂનો ધંધો ન કરતા હોવા છતાં દારૂ વેચાતો માંગ્યો હતો. જેથી તેમણે દારૂ આપવાની ના પાડતા આરોપીને સારું નહોતું લાગ્યું અને જેમફાવે તેમ ગાળો આપી પોતાની સાથે માણસો લઇને આવું છું તેમ કહી જતા રહ્યા હતા. જે બાદ ત્રણેય જણા તેઓ જ્યાં ઉભા હતા ત્યાં આવી વીડિયો ઉતારી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમજ તેમની સાથે ઝપાઝપી કરી ધક્કો મારી નીચે પછાડી દઇ મૂંઢ ઇજા કરી હતી. ઢસડીને અંધારામાં લઇ તેમના ખિસ્સામાંથી રોકડા રૂ.૧૦,૦૦૦ ની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. કોલાદરા વધુ તપાસ કરી રહ્યા છે.