રાજુલામાં નગરપાલિકાના ૧૫૦ જેટલા સફાઈ કામદારો ૩૦ દિવસ કામની માગ સાથે હડતાળ પર ઉતરી જઈ ધરણા પર બેસી ગયા છે. જેના કારણે શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સફાઈની કામગીરી ઠપ્પ થઈ ગઇ છે. જેને લઇને પાલિકાએ અન્ય એક એજન્સી મારફતે સફાઇ કરાવતા સફાઇ કામદારોએ કચરાના ઢગલા વિખેરી દઇ ગેરવર્તન કરતાં પોલીસ બોલાવવી પડી હતી. સફાઇ કામદારોની માગણી છે કે, જે ૧૫-૧૫ દિવસના વારા રાખવામાં આવ્યા છે. એ ૧૫ દિવસના વારા બંધ કરી રેગ્યુલર કામ ઉપર લેવામાં આવે અને જે ૨૫ વર્ષથી કામ કરે છે તેમને કાયમી કરવામાં આવે સહિતની માગણીઓ સાથે ૧૫૦ જેટલા કામદારો છેલ્લા ત્રણ દિવસથી હડતાળ કરી રહ્યા છે. જેથી સફાઇની કામગીરી ઠપ્પ થઇ જતા ગઇકાલે પાલિકાએ અન્ય એજન્સીના માણસો બોલાવી સફાઇ કરાવતા બબાલ થઇ હતી. જ્યારે આજે પણ બબાલ થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
સફાઈ કામદારોના આંદોલનને કોંગ્રેસનો ટેકો
રાજુલા ભાજપ શાસિત નગરપાલિકા સામે છેલ્લા ચાર દિવસથી સફાઈ કામદારો ઉપવાસ આંદોલન પર બેઠા છે. તેમની મુખ્ય માંગ છે કે નગરપાલિકાએ લાગુ કરેલું “૧૫ દિવસ નોકરી અને ૧૫ દિવસ રજા” જેવું ગેરવ્યવહારુ નિયમન રદ્દ કરવામાં આવે અને સફાઈ કામદારોને ૩૦ના ૩૦ દિવસ નોકરી આપવામાં આવે. આ આંદોલનને રાજુલા કોંગ્રેસ પક્ષે ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસ પ્રમુખ રવિરાજભાઈ ધાખડા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જે.ડી. કાછડ, રસુલભાઈ દલ, જગદીશભાઈ નાગર, અકિલ શેખડા સહિતના આગેવાનોએ ઉપવાસ આંદોલન સ્થળે હાજરી આપી કામદારોને સમર્થન આપ્યું હતું.









































